Monday, September 20, 2010

વરસોથી સંઘરી રાખેલી

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે

– સૈફ પાલનપુરી

0 comments:

 
Free Website TemplatesFreethemes4all.comFree CSS TemplatesFree Joomla TemplatesFree Blogger TemplatesFree Wordpress ThemesFree Wordpress Themes TemplatesFree CSS Templates dreamweaverSEO Design