નથી ઝગતી કદી એવી ચલમ પક્ડીને બેઠા છો,
એને દીવાસળી આખો વખત પક્ડીને બેઠા છો.
સરસ ગીતો, અછાંદસ જેવા માણસ ઝંખે છે તમને;
તમે તમને જ ગમતી એક ગઝલ પક્ડીને બેઠા છો.
હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;
હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો.
યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે;
તમે હર રૂપમાં એક જ રટણ પક્ડીને બેઠા છો.
જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને;
તમાર નામની સાથે અટક પક્ડીને બેઠા છો.
તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ;
નથી એ જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો.
ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ!
પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો.
- અશરફ ડબાવાલા


0 comments:
Post a Comment