Sunday, March 27, 2011

ગરબડ ન કર


સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.
બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.
હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.
પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.
કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.
ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.
-રઈશ મનીઆર

Friday, March 18, 2011

આવી જજો


તમારા વિયોગમાં મારો પ્રાણ જાય,
ત્યારે તમે આવી જજો.
હું નથી હયાત હવે, એવી વાત માની લેજો.
ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
પણ તમે ખુશીઓ મનાવી લેજો.
એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો,
એવો દિલાસો દિલને આથી દેજો.
ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે,
પણ તમે મારી નિંદા કરી લેજો.
અમર છે નામ મારું, તો પણ બદનામ થાય તેવી કોશિશ કરી લેજો.
એક વાર અરથી પર આવી, ચહેરો જોઇ જજો.
ફૂલોનો હાર નહીં, નફરત તમારી ચડાવી જજો
બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો,
એની ખુશીઓ મનાવી લેજો.
-અજય રાવળ,

Wednesday, January 19, 2011

મુંબઇ

સૂટબૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમૅન ?
છપ્પન છપ્પન વરસ ખાઈ ગઈ છ છપ્પનની ટ્રેન !

ફાઈવસ્ટાર વૃક્ષોની સામે પંખી કરે દલીલ,
એક જ પળ ડાળે બેઠાં તે આવડું મોટ્ટું બિલ ?

આ તો યુનિયન છે મારા ભૈ કશું જ ના કહેવાય,
ભરચોમાસે વાદળીઓની સ્ટ્રાઇક પણ થઈ જાય.

બહુ જ સિફતથી પંખીના ખાતામાં પાડી ધાડ,
એક પીંજરું જમા કર્યું ને નભનો કર્યો ઉપાડ!

ગીત નહીં, હમણાં સંભળાશે કોયલની ચિચિયારી,
એક કાગડો ફરી રહ્યો છે મોંમા લઈ સોપારી.

- કૃષ્ણ દવે


Wednesday, January 12, 2011

ચરર ચરર મારું ચકડોળ ચાલે,

ચરર ચરર મારું ચકડોળ ચાલે,

ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,

આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ૦

– અવિનાશ વ્યાસ

Tuesday, January 4, 2011

સંબંધ…

સંબંધ એ રસ્તો,
જેમાં કોઇ સ્પીડ-બ્રેકર નથી.

સંબંધ એ સીધી લીટી,
જેમાં ક્યાંય કટ નથી.

સંબંધ એ નદી,
જે અવીર્ત ચાલ્યાં કરે.

સંબંધ એ સાગર,
ઊંડા અને વિશાળ.

સંબંધ એ આકાશ,
જેનો કોઇ અંત નથી.

સંબંધ એ સુર્ય,
જે દેખાંતો ભગવાન.

સંબંધ એ માં સમાન,
જેના પ્રેમ સામે કોઇ નહી.

સંબંધ એ કવિતા,
જે કવિ નું હદય.


-સર્વદમન
 
Free Website TemplatesFreethemes4all.comFree CSS TemplatesFree Joomla TemplatesFree Blogger TemplatesFree Wordpress ThemesFree Wordpress Themes TemplatesFree CSS Templates dreamweaverSEO Design