Sunday, November 7, 2010

સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી.

છેક દ્વારિકાથી દોડતા આવી સુદામાએ ઉઘાડી નાખેલી ડેલી,
ફાટેલી આંખોએ દંગ થઈ જોઈ એનાં ફળિયામાં લેક્સસ પડેલી.

ફફડતાં હૈયે જ્યાં પગ દીધો ફ્લૅટમાં ત્યાં ફાગણની કોયલ સંભળાઇ,
સોફાઓ દેખીને સૂવા એ જાય ત્યાં આંગણીયા સ્વપનો વિસરાયે,
ઓચિંતા ઝબકીને જાગી જુએ, સૂટ-બૂટ સહેત ટાઇ વિંટેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

પંખા પલંગો કબાટોને જોઈ પછી ધીમેથી ફ્રિજને એ ખોલે,
ફ્રિજમાં કાનાને થિજેલો જોઈ ફોન ઉપાડી મોટેથી બોલે,
How Are You, ક્હાન? જરા busy છું યાર, જો આ ઑફિસની ફાઇલો પડેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

સનસેટ જોવાને બેઠા છે સાંજે એ ગાર્ડનનાં ઝૂલે કમ્પાઉન્ડમાં,
ફૅશનીયા છોકરાને ટોમીને લઈ હવે નીકળે છે રોજ રોજ રાઉન્ડમાં,
એના ચહેરે ગોગલ્સ, સહેજ દુખતા મસલ્સ, હોઠ વચ્ચે છે સિગરેટ નમેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

ગોળ ગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે,
વૈભવની વચ્ચે છે એવા ચકચૂર એને દ્વારિકા દરિદ્ર સાવ લાગે,
પોતીકી સાહ્યબી તો દોમ દોમ ફૂટી ને દ્વારિકા તો દરિયે ડૂબેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..
- પ્રવિણ ટાંક

0 comments:

 
Free Website TemplatesFreethemes4all.comFree CSS TemplatesFree Joomla TemplatesFree Blogger TemplatesFree Wordpress ThemesFree Wordpress Themes TemplatesFree CSS Templates dreamweaverSEO Design